ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી ફક્ત પ્રથમ ક્રમે પૂજાતા દેવ નથી; પણ સૌ કોઈના પોતીકા અને વહાલા દેવ છે. ગણેશજી આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. હિંદુ ધર્મના મુખ્ય દેવતાઓમાંના એક તરીકે, તેમનું મહત્ત્વ માત્ર ધાર્મિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી, પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિમાણોમાં વ્યાપક રીતે ફેલાયેલું છે.
શિવ અને પાર્વતીના પુત્ર ગણેશજી, દેવતાઓના ગણના નાયક છે. રિદ્ધિ-સિદ્ધિના પ્રતીક છે. શુભ-લાભના દાતા છે. ભારતમાં મંદિર કોઈપણ દેવનું હોય, ગણપતિની મૂર્તિ તો હોવાની જ. હિન્દુઓના દરેક ઘરમાં એકથી વધુ ગણપતિના સ્વરૂપો મૂર્તિ કે ચિત્ર સ્વરૂપે અવશ્ય જોવા મળે. અરે! ભારતમાં કાર, બસ અને ટ્રકના ડેશબોર્ડ પર સૌથી વધુ ગણેશજી બિરાજેલા જોવા મળશે.
આ પુસ્તકમાં ગણેશજીના જીવનના ૫૧ પાવક પ્રસંગોને અબાલવૃદ્ધ કોઈપણ માણી શકે તે રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે, ગણેશજીના જીવનના જાણીતા પ્રસંગોમાં પણ કેટલીક અજાણી માહિતી આપવામાં આવી છે, તો સાથે ગણેશજીના જીવનના ઓછા જાણીતા પ્રસંગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં દરેક પ્રસંગને ટૂંકમાં છતાં પુરતી વિગતો સાથે આલેખવામાં આવ્યાં છે. પુસ્તકને ગણેશજીના વિવિધ સ્વરૂપોના ચિત્રોથી સજાવવામાં પણ આવ્યું છે.